× logo
  • Loading...

Latest Blogs

ગુજરાતી સાહિત્યના મહાકવિઓ

  •  GPSC 3     General
ગુજરાતી સાહિત્યના મહાકવિઓ: કનૈયાલાલ મુનશી અને ગૌરીશંકર જોશી

કનૈયાલાલ મુનશી (ઈ.સ.૧૮૮૭-૧૯૭૧)

તેમનું તખલ્લુસ “ઘનશ્યામ” છે. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. મુખ્યત્વે નવલકથાકાર છે. ઐતિહાસિક નવલકથાઓ એમની વિશિષ્ટતા છે. સન્નિષ્ઠ લોકનેતા કેન્દ્ર સરકારમાં અન્ન ખાતાના પ્રધાન, ઉત્તરપ્રદેશના રાજપાલ અને સ્વતંત્ર ભારતના બંધારણ સભાના સભ્ય તરીકે સેવાઓ આપી છે. તેમની જાણીતી નવલકથાઓ છે: ગુજરાતનો નાથ, જય સોમનાથ, પાટણની પ્રભુતા, પૃથિવીવલ્લભ, કૃષ્ણાવતાર. લોપામુદ્દા અને કાકાની શશી એમના જાણીતા નાટકો છે. ગાંધીયુગના આ સાહિત્યકારના પ્રદાનને લીધે આ યુગ-મુનશી યુગ પણ કહેવાય છે. તેમની નવલકથાના પાત્રો તેજસ્વી, બળકટ સંવાદો બોલતા, ક્રિયાશીલ પાત્રો છે. વાચકને આદિથી અંત સુધી જકડી રાખે એવો વાર્તાપ્રવાહ ધરાવે છે. ગુજરાતી અસ્મિતાનો જયઘોષ કરનાર સ્વપ્નદ્રષ્ટા છે.

 

ગૌરીશંકર જોશી (ઈ.સ.૧૮૯૨-૧૯૬૫)

તેમનું તખલ્લુસ “ધૂમકેતુ” છે. તણખામંડળ એમનો પ્રખ્યાત નવલિકાસંગ્રહ છે. તેમની ઐતિહાસિક નવલકથા “ચૌલાદેવી”, “અવંતીનાથ સિધ્ધરાજ” અને “આમ્રપાલી” જાણીતી છે. ઈ.સ.૧૯૨૩ માં “પોસ્ટઓફિસ” ટૂંકીવાર્તા દ્વારા તે પ્રસિધ્ધ થયા. આ વાર્તાનો વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તામાં સમાવેશ થાય છે. ગુજરાતના મોપાસાં કે મેક્ઝિમ ગોર્કીનું બિરુદ પામ્યા છે. તેમની વાર્તાના પાત્રો કોચમેન એલીડોસો, ભૈયાદાદા, સાંધાવાળો, જુમો ભિસ્તી ખૂબ નીચલા સ્તરના માનવીનું અદભૂત ચિત્રણ છે. ઈ.સ.૧૯૩૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો જેમનો તેમણે અસ્વીકાર કરેલો. ઈ.સ.૧૯૫૩ માં નર્મદચંદ્રક મળ્યો. ચિંતનગ્રંથો અને નિબંધો પણ લખ્યા છે. ઉમાશંકરે તેમને અનસ્ત ધૂમકેતુ કહ્યા હતા.

whatsapp