× logo
  • Loading...

Latest Blogs

પ્રાચીન કાળ-2 - ગુજરાતનો ઈતિહાસ

  •  GPSC 3     Subject
ગુપ્તકાળ, મૈત્રકકાળ, અનુ-મૈત્રકકાળ , સોલંકીકાળ, દિલ્હીની સલ્તનત

ગુપ્તકાળ :

·         મગધના ગુપ્ત સમ્રાટો પૈકી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે માળવા જીતી લીધું ને પછી કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યે ગુજરાતમાં શાસન પ્રસાર્યું. ગુજરાતમાં એના ચાંદીના સેંકડો સિક્કા મળ્યા છે. કુમારગુપ્ત (ઈ. સ. 415–455) પછી સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) ગાદીએ આવ્યો.

·         એણે સુરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પર્ણદત્તને નિયુક્ત કર્યો હતો. એના પુત્ર ચક્રપાલિતે સુદર્શનના સેતુને પુન: સમરાવ્યો. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ અહીં ગુપ્ત શાસનનો અંત આવ્યો. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટક વંશની સત્તા સ્થપાઈ હતી.

 

મૈત્રકકાળ :

·         ગુપ્ત સામ્રાજ્યની પડતી થતાં સેનાપતિ ભટ્ટાર્કે વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી. એ મૈત્રકકુળનો હતો તેથી એનો વંશ મૈત્રક વંશ તરીકે ઓળખાય છે. મૈત્રક રાજ્યની સ્થાપના લગભગ ઈ. સ. 470માં થઈ. આ વંશનો કુળધર્મ શૈવધર્મ હતો.

·         મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગુહસેન (લગભગ ઈ. સ. 555થી 570) થયો. મૈત્રક વંશના રાજાઓએ ધાર્મિક હેતુથી અનેક ભૂમિદાન દઈ એમનાં રાજશાસન તામ્રપત્રો પર કોતરાવ્યાં છે. એ પરથી એ રાજાઓની વંશાવળી તથા સાલવારી બંધ બેસાડાઈ છે. શીલાદિત્ય પહેલો (લગભગ ઈ. સ. 595થી 612) ‘ધર્માદિત્યકહેવાતો. એણે પશ્ચિમ માળવા પર મૈત્રક સત્તા પ્રસારી.

·         ચીની મહાશ્રમણ યુએન શ્વાંગે ઈ. સ. 640ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી ત્યારે વલભીમાં મહારાજ ધ્રુવસેન બીજો રાજ્ય કરતો હતો. એ ચક્રવર્તી હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. એના પુત્ર ધરસેન ચોથાએ મહારાજાધિરાજઅને ચક્રવર્તીજેવાં મહાબિરુદ ધારણ કર્યાં. એના વંશજોએ મહાબિરુદ ચાલુ રાખ્યાં, પરંતુ તેમના સમયમાં ભરૂચ પ્રદેશ નાંદીપુરીના ગુર્જરોએ જીતી લીધો.

·         મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી. આઠમી સદીમાં ગુજરાત પર સિંધના આરબોના હુમલા થયા. ઈ. સ. 788માં આરબ હુમલાએ મૈત્રક રાજ્યનો અંત આણ્યો. વલભીમાં કવિ ભટ્ટિએ રાવણવધનામે દ્વિસંઘન મહાકાવ્ય રચ્યું. વલભીમાં અનેક બૌદ્ધ વિહાર આવેલા હતા. વલભી વિદ્યાપીઠની ગણના મગધની નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી.

·         મૈત્રકકાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં ગારુલકો અને સૈંધવો સામંતો તરીકે સત્તા ધરાવતા. દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટકો, કટચ્ચુરિઓ, ચાહમાનો, સેંદ્રકો, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોનાં રાજ્ય થયાં.

 

અનુ-મૈત્રકકાળ :

·         મૈત્રક રાજ્યનો અંત આવતાં લાટના રાષ્ટ્રકૂટોએ ઉત્તર ગુજરાત સુધી સત્તા પ્રસારી રાજધાની ખેટક(ખેડા)માં રાખી. ઈ. સ. 900ના અરસામાં એની જગ્યાએ દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનું સીધું શાસન પ્રવર્ત્યું. ઉત્તર ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં વનરાજ ચાવડો અને એના વંશજોની રાજસત્તા પ્રવર્તી. સૌરાષ્ટ્રમાં સૈંધવો, ચાલુક્યો અને ચાપોનાં રાજ્ય હતાં.

·         તેમનાં પર રાજસ્થાનના ગુર્જર-પ્રતીહારોનું આધિપત્ય પ્રવર્તતું. આમ ઈ. સ. 788થી 942ના અંતરાલ-કાળ દરમિયાન ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તા પ્રવર્તી ન હોઈ, આ કાળને અનુ-મૈત્રકકાળ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળ દરમિયાન ગુજરાતમાં જૈન લેખકોએ અનેક ગણનાપાત્ર કૃતિઓ રચી. બૌદ્ધ ધર્મ હવે લુપ્ત થતો જતો હતો.

·         હિંદુ તથા જૈન ધર્મનો અભ્યુદય થયો. ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન અર્થે વતન તજી સંજાણમાં આવી વસ્યા; તેઓ પારસીઓ તરીકે જાણીતા છે.

સોલંકીકાળ :

·         ગુજરાતના ઇતિહાસમાં આ સુવર્ણકાળ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે અણહિલવાડ પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. (ઈ. સ. 942).

·         પ્રાય: એના પિતા ગુર્જરદેશ(દક્ષિણ રાજસ્થાન)ના અધિપતિ હોઈ મૂળરાજે સત્યપુર (સાંચોર) મંડલથી સારસ્વત મંડલ સુધી પોતાની સત્તા પ્રસારી ત્યારથી ગુર્જરદેશનામ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પડ્યું લાગે છે. સમય જતાં સોલંકી-સત્તાના વિસ્તારની સાથે એ નામ હાલના સમસ્ત ગુજરાતને લાગુ પડ્યું.

·         મૂળરાજના પુત્ર ચામુંડરાજ પછી એના પુત્ર વલ્લભરાજ અને દુર્લભરાજ રાજા થયા. પછી ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો (ઈ. સ. 1022). એના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી લિંગના ટુકડા કર્યા. ભીમદેવે ત્યાં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું.

·         મોઢેરાનું સૂર્યમંદિર એ અરસામાં બંધાયું. ભીમદેવે વિમલ મંત્રીને આબુનો દંડનાયક નીમ્યો; એણે ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું. કચ્છ મંડલ સોલંકીરાજ્યની અંતર્ગત હતું. કર્ણદેવે નવસારી પ્રદેશ પર પોતાની આણ વરતાવી. કવિ બિલ્હણે કર્ણસુંદરીનાટિકા રચી.

·         કર્ણદેવે આશાપલ્લી જીતી એની પાસે કર્ણાવતી વસાવી. જયસિંહ (ઈ. સ. 1094–1142) જે સિદ્ધરાજ તરીકે ખ્યાતિ પામ્યો તે સોલંકી વંશનો સહુથી લોકપ્રિય રાજવી હતો. એણે સોરઠ પર આક્રમણ કરી ત્યાં પોતાની આણ વરતાવી. સોરઠમાં સિંહ સંવત પ્રચલિત થયો.

·         સિદ્ધરાજે માળવા જીતી એના રાજા યશોવર્માને કેદ કર્યો. જયસિંહ ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથઅને બર્બરકજિષ્ણુતરીકે ખ્યાતિ પામ્યો. એણે પોતાની સત્તા સમસ્ત ગુજરાત ઉપરાંત માળવા, મેવાડ અને મારવાડ સુધી પ્રસારી સોલંકી રાજ્યને સામ્રાજ્ય રૂપે વિકસાવ્યું.

·         રુદ્રમહાલય અને સહસ્રલિંગ સરોવર એનાં ચિરંતન સ્મારક ગણાયાં. કુમારપાલ (ઈ. સ. 1142–1172) પણ પ્રતાપી રાજવી હતો. એણે શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય કર્યો; કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કરાવ્યો.

·         કુમારપાલ જૈન ધર્મનો પ્રભાવક હતો. આચાર્ય હેમચંદ્ર અને એમના શિષ્યોએ સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં વિદ્યા તથા સાહિત્યનો વિકાસ સાધ્યો. કુમારપાલનો ઉત્તરાધિકાર અજયપાલને પ્રાપ્ત થયો. એના પુત્ર મૂળરાજ બીજાએ આબુની તળેટીમાં મુહમ્મદ ઘોરીએ મોકલેલી ફોજના હુમલાને પાછો હઠાવ્યો.

·         ભીમદેવ બીજાએ ઈ. સ. 1178થી 1242 સુધી લાંબું રાજ્ય ભોગવ્યું, પરંતુ ઈ. સ. 1210–25ના ગાળા દરમિયાન ચૌલુક્ય કુળના જયસિંહ બીજાએ પાટનગરની આસપાસના પ્રદેશો પર પોતાની સત્તા પ્રવર્તાવેલી. ધોળકાના રાણા વીરધવલ તથા એના મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલંકીરાજ્યના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવેલો. ઈ. સ. 1244માં મૂળરાજના વંશની સત્તા અસ્ત પામી.

·         હવે વાઘેલા સોલંકી વંશનો વીસલદેવ જે ધોળકાનો રાણો હતો, તેણે ગુજરાતના મહારાજાધિરાજ તરીકેની સત્તા સંભાળી. એના વંશમાં કર્ણદેવ ઈ. સ. 1296માં ગાદીએ આવ્યો. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની ફોજે ઈ. સ. 1299માં ગુજરાત પર ચડાઈ કરી, કર્ણદેવ ભાગીને દખ્ખણમાં ચાલ્યો ગયો; લાગ મળતાં એણે પાછા ફરી સત્તા હસ્તગત કરી, પરંતુ ઈ. સ. 1304માં ખલજીની ફોજે બીજી ચડાઈ કરી, એને ભગાડી, ગુજરાત પર સલ્તનતની કાયમી હકૂમત સ્થાપી દીધી.

·         સોલંકીકાળનાં અન્ય રાજ્યોમાં કચ્છનું જાડેજા રાજ્ય, સોરઠનું ચૂડાસમા રાજ્ય (જેના રાખેંગાર પહેલાને સિદ્ધરાજ જયસિંહે હરાવેલો), ઘૂમલીનું જેઠવા રાજ્ય, સોમનાથ પાટણનું વાજા રાજ્ય, ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય અને લાટમાં બાસપે સ્થાપેલું ચાલુક્ય રાજ્ય ખાસ નોંધપાત્ર છે.

·         સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્વરૂપોની અનેકાનેક કૃતિઓ રચાઈ, જેમાં હેમચંદ્રાચાર્ય તથા મહામાત્ય વસ્તુપાલ અને તેમનાં વિદ્યામંડલોનું પ્રદાન વિપુલ છે. રાજશાસનોની ભાષા સંસ્કૃત હતી. જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ ભારતીય સાહિત્યમાં ગણનાપાત્ર છે. લોકભાષા અપભ્રંશ હતી.

·         ગૌર્જર અપભ્રંશમાંથી સમય જતાં ગુજરાતી ભાષાનો ઉદય થવા લાગ્યો. ધર્મસંપ્રદાયોમાં હિંદુ અને જૈન ધર્મનો અભ્યુદય ચાલુ રહ્યો. ગુજરાતમાં હવે મુસ્લિમોનો વસવાટ થતાં ઇસ્લામ પણ પ્રચલિત થયો. અગ્નિપૂજક પારસીઓ ખંભાતમાં પણ વસ્યા હતા.

·         સ્થાપત્યમાં અનેક સુપ્રસિદ્ધ દુર્ગો, જળાશયો અને દેવાલયોનું નિર્માણ થયું. દેવાલયનું સ્થાપત્યકીય સ્વરૂપ પૂર્ણ વિકાસ પામ્યું. શિલ્પકલા તથા ચિત્રકલાનો પણ ઉત્તરોત્તર વિકાસ થતો ગયો.

·         હુન્નરકલાઓ અને વેપારવણજના વિકાસે આર્થિક સંપત્તિ વધારી. બંદરોમાં અલ્પ વ્યવસાય કરીનેય વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થતી. આમ આ કાળ દરમિયાન ગુજરાતમાં અનેક રીતે સુવર્ણકાળ પ્રવર્ત્યો.

 

દિલ્હીની સલ્તનત :

·         દિલ્હીના સુલતાન દ્વારા નિયુક્ત સૂબાઓ ગુજરાતનું શાસન ચલાવતા. દિલ્હીના સુલતાન અલાઉદ્દીને 1297થી 1304 દરમિયાન ગુજરાત જીત્યું હતું. ખલજી વંશના અન્ય સુલતાનો મુબારકશાહ અને ખુસરોખાન હતા. આ વંશનું શાસન માત્ર 17 વરસ ટક્યું હતું.

·         અલાઉદ્દીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવ-નિયમન કડકાઈથી કર્યું હતું. 1320માં ગિયાસુદ્દીને તુગલુક વંશની સ્થાપના કરી. તેનો અનુગામી મુહમ્મદશાહ તુગલુક તરંગી અને વિદ્વાન હતો. તેનો ઘણો સમય તઘી વગેરે અમીરોના બળવાને શમાવવામાં ગયો હતો.

તેણે જૂનાગઢના રાખેંગાર અને ઘોઘાના મોખડાજી ગોહિલને હરાવ્યા હતા. 1342માં ઇબ્ન બતૂતાએ ખંભાત, કાવી, ગાંધાર અને ઘોઘાની મુલાકાત લીધી હતી. તેણે ખંભાતનાં સમૃદ્ધ વેપાર, ભવ્ય મકાનો અને ચાંચિયાગીરીનો ઉલ્લેખ કર્યો છે. 1398માં તૈમૂરે દિલ્હી ઉપર ચડાઈ કરી ત્યારે નાસિરુદ્દીન મહમૂદ સુલતાન હતો.

whatsapp