× logo
  • Loading...

Latest Blogs

ગુજરાત ઇતિહાસ

  •  GPSC 3     Subject
પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ- 3

·         આથી માત્ર પથ્થરનાં ઓજારો વાપરવાની પદ્ધતિમાં તાંબાનાં ઓજારો વાપરવાની અને તે બનાવવાની પ્રક્રિયા ઉમેરાઈ હોવાનું આ ગામો દર્શાવે છે. જ્યારથી પથ્થર અને તાંબાનાં ઓજારો વાપરવાની પરંપરા શરૂ થઈ ત્યારથી તામ્રાશ્મયુગ શરૂ થવાની માન્યતા છે. ગુજરાતમાં આ સંસ્કૃતિનાં ઘણાં ગામો ઉપરાંત તત્કાલીન સમાજનાં મોટાં નગરોના અવશેષો સુરકોટડા, લોથલ, ધોળાવીરા જેવાં સ્થળોએથી મળ્યા છે.

·         સામાન્ય રીતે આ તામ્રાશ્મકાળના અવશેષોને સિંધુ નદીની સંસ્કૃતિને નામે ઓળખવાનો ચાલ છે. પણ ઉપલબ્ધ પ્રમાણો જોતાં આ સંસ્કૃતિનાં ઘણાં સ્થળો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત આદિ વિસ્તારોમાંથી મળતાં હોઈ સિંધુ નદી સાથે સરસ્વતીને સાંકળવાની પારિભાષિક વિચારણા પ્રચલિત થવા માંડી છે. આ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે.

·         આ યુગની વિકસિત સામગ્રીમાં પકવેલી માટીની ઈંટો, વિવિધ ઘાટનાં વાસણો તથા બીજા પદાર્થો, પથ્થરની મુદ્રાઓ, મણકા, શંખ અને છીપની વસ્તુઓ, તાંબા તથા કાંસાની વસ્તુઓ ઇત્યાદિ મળે છે. ગોળ કૂબા અને ચોરસ કે લંબચોરસ મકાનોવાળાં ગામો, મોટાં વ્યવસ્થિત હારબંધ બાંધેલાં મકાનોને લીધે તૈયાર થયેલા સીધા એકબીજાને કાટખૂણે કાપતા માર્ગોવાળાં નગરો જોવામાં આવે છે.

·         આવાં નગરોમાં દરબારગઢ કે રાજગઢી અને પ્રજાના આવાસો જેવા સ્પષ્ટ વિભાગો પડતા દેખાય છે. આ નગરોમાં વિવિધ પ્રકારનાં જળાશયો, ઓવારા, ઘાટ આદિની રચના દેખાય છે. તે પૈકી કેટલાંક બંદરો હોવાનો અભિપ્રાય પણ સારા પ્રમાણમાં ફેલાયેલો છે, જે માટે કોઈ સમર્થન મળતું નથી.

·         આ યુગનાં માટીનાં વાસણોના ઘણા પ્રકારો છે. તેની મદદથી તામ્રાશ્મયુગનું વિભાગીકરણ કરીને તેનાં પ્રાગ્-હડપ્પાકાલીન, અનુ-હડપ્પાકાલીન આદિ નામો પાડવામાં આવે છે. છતાં સમગ્ર દૃષ્ટિએ તેમાં માટીનાં વાસણોની કેટલીક પરંપરા ચાલુ રહેતી અને કેટલીક લુપ્ત થતી દેખાય છે.

·         માટીનાં વાસણોની ચાલુ રહેતી પરંપરામાં જાડા બરનાં વાસણો, નીલલોહિત વાસણો ઇત્યાદિ ગણાય છે. તેનું કાલગણનામાં મહત્વ ઓછું છે પણ સાંસ્કૃતિક પરંપરાની દૃષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે.

·         આ યુગથી લેખનકળાનો પ્રારંભ થતો દેખાય છે. આ લેખનમાં વપરાયેલાં પ્રતીકો પરથી તે કઈ ભાષાનાં છે તે બાબત ઘણો વિવાદ ચાલે છે; પરંતુ જ્યાં સુધી તે વાંચવા માટે જાણીતી લિપિ સાથે આ પ્રતીકોનાં પ્રમાણો ન મળે ત્યાં સુધી એ પ્રશ્ન વિવાદગ્રસ્ત રહે છે.

·         ગુજરાતમાંથી આ યુગના અવશેષોમાં યજ્ઞશાળાના જેવા અવશેષો મળ્યા છે તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિમાંથી પણ મળે છે. ઉપરાંત અંત્યેષ્ટિમાં ભૂમિદાહનાં પ્રમાણો પ્રાપ્ત થાય છે.

·         આ સમયમાં દેશ-પરદેશ સાથે ચાલતા વ્યાપારનાં પ્રમાણો પૂરતી સંખ્યામાં મળતાં હોઈ, આ યુગથી ગામો, નગરો, ઉદ્યોગો, વ્યાપાર આદિનો ખેતી, પશુપાલન સાથે વિકાસ થઈ ચૂક્યો હોવાથી આજની સંસ્કૃતિના લગભગ બધા અંશોનો પ્રાદુર્ભાવ થયો હોવાનું સ્પષ્ટ થાય છે.

·         તામ્રાશ્મયુગનાં લખાણો મળ્યાં છે તે વંચાયાં નથી તેથી આ યુગને આદ્ય-ઐતિહાસિક યુગ પણ કહેવામાં આવે છે. આ માન્યતાની સાથે ભારતના સૌથી જૂના સાહિત્ય વેદની સંહિતાઓ અને સંસ્કૃતિની તુલના કરવામાં આવે તો તેમાં પથ્થરનાં અને તાંબા અથવા કાંસાનાં ઓજારોનો ઉપયોગ, યજ્ઞયાગાદિ ક્રિયાઓ, ગામો, નગરો, ખેડૂતો, પશુપાલકો આદિનું ચિત્ર ઊભું થાય છે અને સંહિતાઓ આ તામ્રાશ્મયુગમાં તૈયાર થયેલી વાઙ્મય સામગ્રી હોવાનું તારણ દૃઢ થતાં, પદાર્થ કે દ્રવ્યગત સામગ્રી અને વાઙ્મય સામગ્રીની અતીતના અધ્યયન માટેની ઉપયોગિતા વધે છે.

·         સામાન્યત: આ તામ્રાશ્મ સંસ્કૃતિનો તેની અનુકાલીન સંસ્કૃતિ સાથે સંબંધ ન હતો એ માન્યતા પણ બદલાય એવાં પ્રમાણો પંજાબનાં સ્થળોએથી મળ્યાં છે. વળી આ સંસ્કૃતિમાં વિકસેલાં નીલલોહિત વાસણો, જાડા બરનાં વાસણો આદિ માટીકામની પરંપરા સાચવતાં દેખાય છે.

·         તામ્રાશ્મ સંસ્કૃતિમાં લોખંડનો ઉપયોગ ઓજારોના ઘડતર માટે થતો ન હતો. લોખંડનો ઉપયોગ ભારતમાં આશરે ત્રણેક હજાર વર્ષ પહેલાં વિકસ્યો છે. તેનો વિકાસ થતાં પ્રાગ્-ઇતિહાસનો આખરી તબક્કો લોહયુગનો ગણાય છે.

·         ગુજરાતમાં આ લોહયુગનાં ગામો તેમજ નગરોના અવશેષો મળ્યા છે. તેમાં નીલલોહિત વાસણો, તેની સાથેનાં બીજાં માટીકામનાં વાસણો તથા લોખંડના અવશેષો પ્રાપ્ત થાય છે. આ અવશેષો આજથી ત્રણેક હજાર વર્ષ કરતાં જૂના નથી.

·         આ સમયગાળા માટે પુરાવસ્તુવિદોએ પ્રમાણમાં ઓછું કામ કરેલું હોઈ તેની વિગતો ઘણી ઓછી મળે છે. પરંતુ જે વિગતો પ્રાપ્ત થાય છે તેમાં નીલલોહિત વાસણોનો વ્યાપ ઘણો મોટો છે. તે વાસણોની વપરાશ સૂચવતાં સ્થળોએથી કાળાં ચળકતાં વાસણો મળે છે. તે પ્રાગ્-મૌર્યકાળના અને બુદ્ધ કે મહાવીરના યુગમાં પ્રચારમાં હતાં. તેથી આ સામગ્રી પ્રાપ્ત થતાં અને તેની સાથે વાંચી શકાય એવા અશોકના ખડકલેખો કે સ્તંભલેખો મળતાં પ્રાગ્-ઇતિહાસ પૂરો થઈને ઐતિહાસિક કાળનો પ્રારંભ થાય છે.

whatsapp