× logo
  • Loading...

Latest Blogs

ગુજરાત ઇતિહાસ

  •  GPSC 3     Subject
પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ- 2

·         આ યુગનાં ઓજારો પૈકી સમાંતર બાજુવાળી પતરીઓ કાઢવાની પદ્ધતિનો વિકાસ થયો હતો તેથી તેના અનુગામી કાળનાં ઓજારો બનાવવાની કારીગરી વિકસી ચૂકી હતી.

·         આ યુગનાં ઓજારોનાં સ્થળોનું અધ્યયન ગુજરાતમાં કાલનિર્ણય માટે આવશ્યક છે; પરંતુ તેના કાલનિર્ણય માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મળતી સમયરેખા તેને આશરે 25,000 વર્ષથી 10,000થી 11,000 વર્ષ જેટલા પ્રાચીન સમયનાં ગણાવે છે તે સૂચક છે.

·         આ ઓજારોને મુકાબલે ઘણાં નાનાં ઓજારોના ઘડતરનો સમય પ્રમાણમાં પાછળના સમયના છે. તેની સમયરેખા આશરે 8,000થી 10,000 વર્ષથી શરૂ થઈને ઐતિહાસિક ગણાતા સમય સુધી વિસ્તરતી દેખાય છે. નાનાં ઓજારોને લીધે આ યુગને લઘુઅશ્મયુગ કે અન્ત્યાશ્મયુગ કહેવામાં આવે છે.

·         આ યુગને યુરોપના વર્ગીકરણને લીધે મધ્યાશ્મયુગ પણ કહેવાનો મત છે. આ યુગનાં સ્થળો ગુજરાતમાં ઘણી સંખ્યામાં મળ્યાં છે. આ સ્થળોએથી મળતાં બાલેન્દુ, ત્રિકોણ, પાનાં, પતરી, ગર્ભો જેવાં પથ્થરનાં ઓજારો તેમજ તે બનાવવા માટે વપરાતા પથ્થરોમાં કૅલ્સેડની, ચર્ટ અને જૅસ્પર જેવા અકીકને નામે જાણીતા પથ્થરો હોય છે.

·         સામાન્યત: પુરાતન કાળમાં જે સ્થળે જે પથ્થરો મળતા હોય તે સ્થળે તે પથ્થરોનાં ઓજારો મળતાં હતાં તે પરિસ્થિતિ આ યુગથી પલટાય છે. ઉત્તર ગુજરાત તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં ઘણાં સ્થાનોએ પથ્થરો મળતા નથી ત્યાંથી પણ આ યુગની માનવપ્રવૃત્તિના અવશેષો પ્રાપ્ત થયા છે.

·         આ પરિસ્થિતિ માનવો દ્વારા પથ્થરો લઈ જવા-લાવવાની પ્રવૃત્તિ સૂચવીને તેની સાથે અન્નજળ માટે થતાં સ્થળાંતરો દર્શાવતી લાગે છે. આ સ્થળાંતરો કરનાર પ્રજાના અવશેષોનાં પ્રાપ્તિસ્થાનો પરથી મળેલાં અસ્થિઓમાં પાળેલાં ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓનાં હાડકાં સારા પ્રમાણમાં દેખાય છે.

·         આથી આ યુગમાં પશુપાલન વિકસ્યું હોવા બાબત શંકા રહેતી નથી. આ યુગના પશુપાલકો સામાન્ય રીતે ભટકતું જીવન ગુજારતા હોઈ તેમના નેસના અવશેષો સૂચવતાં તેમનાં સ્થાનો હોવાનો મત બંધાય. ભટકતા જીવનને લીધે તેઓ સમુદ્રકિનારેથી મળતી ડેન્ટેલિયમ જેવી વસ્તુઓ ગુજરાતમાં સમુદ્રથી આશરે 200 કિલોમીટરને અંતરે લઈ જતા હતા.

·         આ યુગથી ગુજરાતમાં ચિત્રકલાનો આરંભ થયો હોવાનું તરસંગ જેવાં સ્થાનોના અવશેષો સૂચવે છે તથા ચંદ્રાવતીથી મળેલા અવશેષો શિલ્પના કોતરકામનો વિકાસ દર્શાવે છે. આ પશુપાલકોનાં કેટલાંક સ્થાનો પરથી ખેતી કરનાર અને ધાતુ ગાળનાર લોકો સાથેનો તેમનો સંપર્ક સૂચવાય છે.

·         આ સંપર્કમાં લાંઘણજ જેવાં સ્થળોએથી મળેલી તાંબાની છરી જેવી વસ્તુ છે તથા કનેવાલ જેવા સ્થળેથી મૂળ લઘુઅશ્મ વાપરનાર લોકોના નેસ પર ખેતી કરનારના કૂબા મળ્યા છે, તે કૂબા અને ખેતરોનો ત્યાગ થયા પછી પણ લઘુઅશ્મ ઓજારો વાપરનાર પશુપાલકોની આ સ્થળે પ્રવૃત્તિ ચાલુ રહી હોવાનું સૂચન કરતા અવશેષો મળે છે.

·         આમ, પશુપાલકોના નેસ અને ખેતી કરનારનાં ગામોનો સંબંધ આશરે પાંચેક હજાર વર્ષથી ગુજરાતમાં દેખાય છે. પશુપાલકો અને ખેડૂતો વચ્ચેના સંબંધોની આ લાંબી પરંપરામાં ખેડૂતોનાં ગામોમાં કૂબા, માટીનાં વાસણો, લઘુઅશ્મ ઓજારો, તાંબાની અને ક્વચિત્ સોનાની વસ્તુઓ આદિ મળે છે. 

whatsapp