હડપ્પા સંસ્કૃતિ
- May 04
- 2023
- GPSC 3 Subject
સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર.
·
સિંધુ
સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ.
મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે
(નૈર્ઋત્યમાં), સિંધુ નદીની
સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો.
·
1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ
કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને ચિત્રાત્મક લિપિ અંકિત
કેટલીક મુદ્રાઓ (seals) એકત્ર કરી હતી. 1856માં કરાંચીથી લાહોર જનારી રેલ લાઇનના પાટા
પાથરવાના ખોદકામ દરમિયાન આ પુરાતાત્વિક સ્થળનું સ્વરૂપ પ્રકટ થયું.
·
આ દરમિયાન અનેક
પુરાવશેષો હાથ લાગ્યા. અંતત: 1921માં દયારામ સાહની
દ્વારા જ્હૉન માર્શલના નિર્દેશનમાં અહીં વિધિવત્ ઉત્ખનન કરાયું, જે 1923–24થી 1924–25 સુધી ચાલતું રહ્યું.
·
આ ઉત્ખનન દ્વારા
વિશિષ્ટ મુદ્રાઓ ઉપરાંત એવા કેટલાક અવશેષ પણ પ્રાપ્ત થયા જેનાથી આ સભ્યતા
તામ્રપાષાણકાલીન સભ્યતા હોવાનાં પ્રમાણ મળતાં હતાં. દયારામ સાહની પછી પણ 1926–27
અને 1933–34થી સતત આઠ વર્ષ પર્યન્ત માધો સ્વરૂપ વત્સે અહીં
વિસ્તૃત ઉત્ખનન કર્યું.
·
1949માં મોર્ટીમર
વ્હીલરે હડપ્પાના પશ્ચિમી દુર્ગના ટિમ્બાનું ઉત્ખનન કરી અહીંની સુરક્ષા દીવાલનું
સ્વરૂપ પ્રકાશમાં આણ્યું. આ બધાં ઉત્ખનનના આધારે આ સભ્યતા(નગર)ની વિશેષતાઓ નોંધીએ.
· હડપ્પા સભ્યતાની સર્વપ્રથમ વિશેષતા તેના નગરનું સુનિયોજિત સ્વરૂપ ગણાવી શકાય. સંપૂર્ણ નગર સમકોણ રીતે એકબીજાને ક્રૉસ કરતી સડકો દ્વારા શતરંજ સ્વરૂપે વિભાજિત હતું. હડપ્પાના બંને ટિમ્બાના ઉત્ખનનમાંથી પશ્ચિમમાં દુર્ગ અને પૂર્વમાં નગરના અવશેષ પ્રાપ્ત થયા છે. દુર્ગ-ક્ષેત્ર રક્ષણાત્મક દીવાલ(કોટ)થી ઘેરાયલ હતું.
· દુર્ગનું પ્રમુખ દ્વાર ઉત્તર દિશામાં અને બીજું દક્ષિણ તરફ આવેલ છે. સમલંબ ચતુર્ભુજ આકારવાળા આ દુર્ગની લંબાઈ ઉત્તર-દક્ષિણ 420 મીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 196 મીટર છે, તો તેની ઊંચાઈ છે સરેરાશ 12થી 15 મીટર. દુર્ગની અધિકાંશ ઈંટો ચોરાઈ કે નાશ પામી હોવાથી તેના આકાર-સ્વરૂપ વિશે વિશેષ જાણી શકાતું નથી.
· હડપ્પા નગરમાં પ્રારંભથી જ ભવનનિર્માણમાં પાકી ઈંટો વપરાઈ છે. આ ઈંટો સરેરાશ 11 × 5.5 × 2.53 ઇંચની છે. કાચી ઈંટોથી બનાવાયેલ કેટલાંક મકાન પણ મળ્યાં છે, જે સંભવત: ગરીબ વર્ગનાં રહ્યાં હશે. કાચી ઈંટોની સાથે પાકી ઈંટો પણ વપરાઈ હોવાનું જણાયું છે; પરંતુ તેના પર પ્લાસ્ટર કરી દેવાયેલ હોવાથી બંનેમાં ભેદ કરવો મુશ્કેલ બની રહે છે.
·
મકાનોના પાયામાં
સારી રીતે પકવેલ માટીના ટુકડાઓ–ગઠ્ઠાઓનો ઉપયોગ
કરાયો છે. આ પ્રથા મોહેં-જો-દડોનાં મકાનોમાં જોવા મળતી નથી એ નોંધવું ઉલ્લેખનીય
છે. ઈંટોના ચણતરમાં અધિકતર માટીનો અને ક્વચિત્ ચિરોડીનો પણ ઉપયોગ કરાયો છે.
·
જેમ કે ગોળાકાર
ચબૂતરા અને સાર્વજનિક નાલીઓના ફર્શ બનાવવા માટે માટી કે ખડી પથરાયેલ ઈંટો વપરાઈ છે,
તો સ્નાનાગારોની ફર્શ
પાકી ઈંટોથી જ બનાવાઈ છે; અને સહેજ પણ પાણી
ઊતરે નહિ એ રીતે તેના સાંધા પૂરવામાં આવ્યા છે.
·
ઉત્ખનન દરમિયાન
મકાનોની દીવાલોના જ અવશેષ મળ્યા હોઈ ઓરડાઓની ઊંચાઈ કે બારીઓ વિશે કંઈ જાણી શકાતું
નથી. ત્રણ સીડીઓની ઉપલબ્ધિ મકાનો એકાધિક મજલવાળા હોવાનું સિદ્ધ કરે છે.
· હડપ્પાના નગર-આયોજનમાં આ વિશિષ્ટ રચના છે. સમગ્ર નગર ગટરથી જોડાયેલ છે. કેટલીક જગ્યાએ તે ખુલ્લી છે તો અધિકાંશ ઢંકાયેલી છે. આના માટે પાકી ઈંટો વપરાયેલી છે. નાની-મોટી બંને પ્રકારની આ ગટર ક્રમશ: ઘર અથવા સડકની સમાંતર બનેલ છે. ગટરના અંતે કચરો એકઠો કરવાની મોટી કૂંડીઓ બનાવાતી હતી, જે ઢંકાયેલી રહેતી.
· હડપ્પામાંથી બે પ્રકારનાં મકાનોના અવશેષ મળ્યા છે : આવાસીય અને સાર્વજનિક. આવાસીય મકાનોમાં એક અત્યંત ઉલ્લેખનીય છે. આમાં અન્ય મકાન–રહેણાકથી સ્ત્રીઓના રહેવાની વ્યવસ્થા (જનાનખાના) અલગ કરાઈ હતી.
· આ મકાનના ખુલ્લા પ્રાંગણચોકમાં દક્ષિણ–પૂર્વ તરફ લગભગ 33 ઇંચ વ્યાસવાળો એક કૂવો છે, આનો ઉપયોગ ઘરના તેમજ બહારના પણ કરી શકે એ રીતે બનાવાયેલ છે. કૂવાની વિપરીત દિશામાં ઉત્તર તરફ દ્વારપાલ(વૉચમૅન)ની ઓરડી છે; જ્યાંથી Z આકારે જનાનખાના તરફ રસ્તો જાય છે. પૂર્વ બાજુના ઓરડાઓ અતિથિગૃહ હોવાનું મનાય છે. આ ઓરડાઓ ઉપરાંત અન્ય ઘણા ઓરડાઓ છે જેનો ઘરના સદસ્યો ઉપયોગ કરતા હશે. ચોતરફ ઓરડાઓની મધ્યમાં વિશાળ ચૉક પણ છે. આ મકાનોના દરવાજા પ્રમાણમાં નાના છે.